Bhaktachintamani Available on YouTube

કોઈપણ સદ્‌ગ્રંથની મહત્તા તેમાં નિરૂપાયેલા વિષય ઉપરથી સમજી શકાય છે. કેમકે સમગ્ર ગ્રંથનો હેતુ તેમાંના મુખ્ય વિષયને અવલંબે છે. બીજું જે હેતુથી ગ્રંથના લેખક લખવા પ્રેરાયા હોય છે, તે વિષય પરત્વે તેમના અંતરના ઊંડાણમાં સત્યનિષ્ઠા હોવી જોઈએ. ત્રીજી બાબત એ છે કે હેતુ ઉચ્ચ અને વિશુદ્ધ હોય અને નિષ્ઠા સત્ય તથા દ્રઢ હોય છતાં તેને અનુસરતા વિષયની સ્પષ્ટ માહિતી પણ એમાં હોવી જોઈએ. ચોથી બાબત એ છે કે ગ્રંથનો હેતુ વિશદ રીતે રજૂ થાય, તેનું નિષ્ઠાપૂર્વક પ્રતિપાદન થાય અને તે અંગેની માહિતી પણ યથાસ્થિત સ્વરૂપે પ્રકટ કરાય એવા પ્રકારની સરલ, વિશુદ્ધ, રોચક, નિર્દંભ, શ્રેયસ્કર, પ્રગલ્ભ અને વાસ્તવિક અર્થવાહી ભાષા હોવી આવશ્યક છે. આમ જે ગ્રંથમાં એ ચાર બાબતોનું આયોજન યોગ્ય રીતે થયું હોય; તે ગ્રંથનું મૂલ્ય વધારે અંકાય છે.

આ ભકતચિંતામણિ સદ્‌ગ્રંથમાં જોઈએ તો પ્રકટ પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણના સ્વરૂપમાં ભકતજનોને પ્રેમલક્ષણા ભકિતથી જોડવા એવો ઉચ્ચ અને વિશુદ્ધ હેતુ છે અને વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ મુનિની એ હેતુ તરફની સત્યનિષ્ઠા તો અતિશય દ્રઢ હતી તે તો સત્સંગ–પ્રસિદ્ધ બાબત છે અને તે તો તેમના ત્યાગપ્રધાન, ભકિતથી સભર સમગ્ર જીવનથી અને તેમણે લખેલાં અનેક ઉત્તમ કાવ્યો તથા સદ્‌ગ્ર્રંથો ઉપરથી જોઈ શકાય છે. ત્રીજી બાબત તે ગ્રંથ વિશે વસ્તુની માહિતી તો સદ્‌ગુરુ નિષ્કુળાનંદ મુનિ પોતે જ ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન અનન્ય શિષ્ય તરીકે પ્રસંગોના સાક્ષીરૂપે જ હતા તેથી વિશેષ શું હોઈ શકે ? ચોથી બાબત તે ગ્રંથની ભાષા પરત્વે જોઈએ તો સદ્‌. નિષ્કુળાનંદ મુનિની ભાષા પ્રૌઢ છતાં સરલ, અર્થગંભીર અને કાવ્યમય છતાં વાસ્તવિક, અસંદિગ્ધ અને અનન્ય ભકતહૃદયની પરાવાણી છે. તેમાં પદે પદે ભકિતભાવ ઊભરાઈ રહ્યો છે. મહિમા અને પૂજ્યભાવના તેમાં નીતરી રહી છે. માર્મિકતા, હૃદય વેધકતા અને વર્ણનશૈલી સુંદર છે. તેમની વાણી પ્રાસાદિક તેમજ અનુભવજન્ય હોવાથી ચોટદાર પણ છે.

આ સમગ્ર ગ્રંથમાં ભકતચિંતામણિરૂપ પ્રત્યક્ષ પ્રકટ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં અદ્‌ભુત, અલૌકિક, અપાર દિવ્ય ચરિત્રોનું નિરૂપણ થયેલું હોવાથી તેનું ચિંતવન કરનાર ભકતજનોના મનોરથોને પૂર્ણ કરનાર આ ગ્રંથનું ભકતચિંતામણિ નામ પણ સાર્થક છે.

ગ્રંથકર્તા સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ કહે છે :
છે આ ભકતચિંતામણિ નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે;
હેતે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે.

આ ભકતપ્રિય ભકતચિંતામણિ ગ્રંથના ગૌરવનું ગાન કરતાં સ્વામી કહે છે કે
”ભકતચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ;
તેમાં ચરિત્ર પ્રગટનાં, અતિ પરમ પાવન અનુપ.
બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય;
પણ પ્રગટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય.
જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારંવાર;
વણસંભાર્યે સાંભરે, હરિ મૂર્તિ હૈયા મોઝાર”

સંપ્રદાયની પુષ્ટિ અંગે નિર્દેશ કરતાં તેઓશ્રી કહે છે :
રામ ઉપાસીને રામચરિત્ર રે, સુણી માને સહુથી પવિત્ર રે;
કૃષ્ણ ઉપાસીને કૃષ્ણ લીળા રે, માને મુદ સુણે થઈ ભેળા રે.
તેમ સહજાનંદી જન જેહ રે, સુણી આનંદ પામશે એહ રે.

આવતા સંકટ સામે રક્ષણ આપવા અંગે અંતમાં તેઓ કહે છે :
સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્ર્રંથ કરી જતન રે;
શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે.
આવ્યા કષ્ટમાંકથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે.
આમ આ ગ્ર્રંથનો અપૂર્વ મહિમા છે તેથી જ વચનામૃતની સાથોસાથ સંપ્રદાયમાં પહેલેથી જ આ ગ્રંથ વ્યાપક પ્રસિદ્ધિ ને પ્રચાર પામ્યો છે. આજે પણ સારા યે સત્સંગ સમાજને ભકિતભાવથી ભીંજવી રહેલ છે.