Brahma Mahotsav Celebration – New Jersey Gurukul

ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નવ દિવસનો બ્રહ્મભીનો બ્રહ્મ મહોત્સવનો ઉજવાયો

પરામસ ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂલ દ્વારા શ્રી રામચંદ્રજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પૂર્વેના નવ દિવસ જપ, તપ, વ્રત, યજ્ઞ, ભક્તિ વગેરે આયોજનો દ્વારા સાધનાએ યુક્ત ‘બ્રહ્મ મહોત્સવ’ ની ધામધૂમથી ઉજવણી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર કરવામાં આવી હતી

અમેરિકામાં સર્વ પ્રથમ વખત બ્રહ્મ મહોત્સવ પર્વનો ગુરૂકૂલ પરિવાર દ્વારા તા. 6 એપ્રિલ સવારથી 14 એપ્રિલ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની સાથે પૂર્ણ ભક્તિભાવ પૂર્વક ઉજવાય ગયો. જેમાં ન્યુજર્સીમાં રહેતા ભક્તો વિવિધ આયોજનોમાં શ્રદ્ધા અને ઉત્સાહથી જોડાયા હતા. જેમાં તપ દ્વારા નવ દિવસ સુધી 26 ભક્તોએ નકોરડા ઉપવાસ કર્યા હતા, 226 ઉપરાંત ભક્તોએ એકટાણા, 80 ભક્તોએ નવ દિવસ ફળાહાર ઉપર રહીને ઉત્સવમાં ઉત્સાહથી જોડાણા હતા તથા જપ દ્વારા રોજના 1008 મંત્રજાપ કરવામાં 233 ભક્તો તથા 14000 મંત્રજપ કરવામાં 30 ઉપરાંત ભક્તો જોડાયા હતા સર્વે ભક્તોએ મળીને ૩૧,00,00 (એકત્રીસ લાખ) સ્વામિનારાયણ મંત્રજપ કર્યા હતા તથા 100 ઉપરાંત ભક્તોએ નવ દિવસ પોત પોતાના ઘરે પારણીયામાં ભગવાનને સવાર સાંજ 20-20 મીનિટ સુધી પ્રાર્થના સાથે કીર્તન ગાયને પૂજન દ્વારા આરાધના કરી હતી.

આ બ્રહ્મ મહોત્સવનું મુખ્યબિંદુ અમેરિકાની ધરતી ઉપર સર્વ પ્રથમ નવ દિવસનો યજ્ઞ હતો. જેમાં સંપૂર્ણ વચનામૃતનો યજ્ઞ તથા સંપૂર્ણ ભક્તચિંતામણીનો યજ્ઞનો થયો હતો. જેમાં દરરોજ સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યજ્ઞનારાયણને હજારો આહુતિઓ અપાણી હતી. જે યજ્ઞમાં આ ઉપરાંત શિક્ષાપત્રી, સર્વમંગલ નામાવલીના 11 આવર્તન, વિષ્ણુસહસ્ત્રનામ, શ્રી સૂક્ત , પુરુષુક્ત ના 11 આવર્તન, પુરુષોત્તમ પ્રકાશ, હરિસ્મૃતિના 2 પાઠ દ્વારા ઉપનિષદોના મંત્રોથી યજ્ઞનારાયણને નવ દિવસ સુધી દરરોજ હજારો આહુતિઓ આપવામાં આવતી હતી. દરરોજ સવારે અને સાંજે ભગવાનને નગરયાત્રા કાઢવામાં આવતી હતી જે અમેરિકન લોકોને આકર્ષણનું કેન્દ્ર બની હતી તથા દરરોજ મંદિરમાં હરિભક્તો નૃત્ય દ્વારા કીર્તન-ભક્તિ કરીને ભગવાનની રીઝવણી કરવામાં આવતી હતી. નવદિવસ દરરોજના સવાર અને સાંજ ભગવાનના પ્રાગટ્ય નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવતી હતી.

રામનવમી અને સ્વામિનારાયણ જયંતીના દિવસે બપોરના 12 વાગ્યે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ બધાને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. સાંજે 4:30 વાગ્યે યજ્ઞની પુર્ણાહુતીએ સર્વે યજમાનોએ બીડું હોમીને કરી હતી ત્યાર બાદ ભગવાનને પાલખીમાં બેસારીને શોભાયાત્રા પરામસ શહેરમાં કાઢવામાં આવી હતી, ત્યારબાદ સમૂહમાં નૃત્ય સાથે ધૂન કીર્તન થયા અને ભગવાનનું વૈદિક મંત્રોથી પૂજન થાળ આરતી કરવામાં આવી હતી. નવ દિવસ યજ્ઞમાં એવં નવદિવસ નકોરડા ઉપવાસ કરનાર ભક્તોને યજમાનશ્રીઓ તથા સંતો દ્વારા પૂજન સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભક્તોએ પોતાના અનુભવો કહ્યા હતા. બાલ મંડળના બાળકોએ સુંદર ચિત્ર પ્રદર્શન ગોઠવ્યું હતું, તથા યુવાનો અને બાળકોએ બાલ પ્રભુને વધાવવા નૃત્ય, નાટક, રાસ રજુ કરી રિઝાવ્યા હતા, અંતમાં આતશબાજી, ધુમ્ર સેર, લેસર લાઈટ ની સાથે ભગવાનના પ્રાગટ્યની આરતી થઇ હતી. ત્યારબાદ ધર્મ ઘેર આનંદ ભયો થયો હતો જેમાં આબાલ વૃદ્ધ બધા જ પ્રભુ ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. ઉત્સવ બાદ ઉપવાસી ભક્તોને સંતોના હાથે પારણા કરાવવામાં આવ્યા હતા. 600 ઉપરાંત ભક્તોની હાજરી રહી હતી.

ઉત્સવને સફળ બનાવવામાં ગુરુકુલ પરિવારના તમામ યુવાન ભાઈઓ અને બહેનોએ ખડેપગે રહીને મહેનત કરી હતી.