Hari Smruti Available on YouTube

વેદોમાં કહ્યું છે કે, ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્‌ । આ જગતમાં જે કાંઈ છે તે બધું જ ભગવાનથી ભરેલું છે.

પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્‌ પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।

આ જે કાંઈ દેખાય છે તે તથા જે દેખાતું નથી એવું તમામ જડ-ચિદ્‌ પુરુષોત્તમ-નારાયણથી પરિપૂર્ણ જ છે. અર્થાત્‌ નિત્યનિર્લેપ તથા સદા પૂર્ણકામ એવા પૂર્ણ પુરુષોત્તમ સદા સર્વત્ર એવા ને એવા જ સાક્ષાત્‌ બિરાજમાન છે. જેઓ તેને અખંડ અનુભવે છે, તેમને તેનો અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. જેઓ તેને જાણતા કે માણતા નથી, તેમને તેનો કોઈ જ ફાયદો નથી. એટલે જ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિએ કહ્યું છે કે, “ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે તેથી કોઈ મોટી પ્રાપ્તિ નથી.” (વચ.ગ.પ્ર.૧)

“એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” (ગ.અંત્ય-૭)

આનો અર્થ એ થયો કે, ભગવાનમાં અખંડવૃત્તિ, ભગવાનની અખંડ અનુભૂતિ અને પુરુષોત્તમની પ્રાપ્તિ એ ત્રણેય એક જ બાબત છે.

આ અખંડવૃત્તિ સિદ્ધ કરવા માટેની જેમાં અનેક પ્રકારની પ્રેક્ટિકલ રીતો દર્શાવવામાં આવી છે. તેવો આ ‘હરિસ્મૃતિ’ ગ્રંથ અતિ અદ્‌ભુત છે. મૂર્તિરસના માલમીઓ આ શાસ્ત્રની પ્રત્યેક પંક્તિનું અમૃતની પેઠે પાન કરે છે. આ ગ્રંથની એક

એક કડી હરિની સ્મૃતિ કરાવે છે. તેથી તેનું નામાભિધાન અતિ અન્વર્થ છે.

સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ આ ગ્રંથના અધ્યાયોનું નામ ‘ચિંતામણિ’ રાખ્યું છે. તે પણ અતિ સાર્થક છે.

આ ગ્ર્રંથમાં સાત ચિંતામણિ તથા કુલ મળીને ૩૫૧ કડીઓ છે.