Inauguration Ceremony of Swaminarayan Gurukul San Antonio, TX

અમેરીકાના ટેકસાસ રાજ્યમાં સાનન્ટોનિયો સીટી આવેલુ છે.  જેમાં રાજકોટ ગુરુકુલનાં ભુતપુર્વ વિદ્યાથી ભક્તો ઘણા સમયથી સ્થાયી  થયા છે. તેવોની ભાવના અને ઉત્સાહના લીધે સાનન્ટોનિયો સીટીમાંં તારીખ 30 એપ્રિલ એકાદશીના પવિત્ર દિવસે સુંદર સંપૂર્ણ સુવિધા યુક્ત 4 એકરમાં ફેલાયેલ 10,000 સ્કેર ફીટથી વધારે બાંધકામ વાળુ ચર્ચ પ્રાપ્ત થયુ. સર્વ ઉત્સાહી ભક્તોના પરિશ્રમ અને સેવાથી તેમજ  શા. આનંદપ્રીયદાજી સ્વામીના માર્ગદર્શનથી 7 દિવસમાંજ 7 મે અખાત્રિજના પવિત્ર દિવસે ધામધુમથી મંદીરમાં રમણીય સિહાસનમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી

ઉદઘાટન સમારોહ 12 મે રવિવારનાં રોજ રાખવામા આવ્યો હતો. આ સમય દરમીયાન સંતો અને ભક્તોએ મંદીરમા કાર્પેટ બદલવી, રંગકામ, બગીચા રેનોવેશન તથા સંપૂર્ણ કેમ્પસની સફાઇ, નવી લાઇટિંગ, સીસી ટીવી કેમેરા ફિટિંગ, સાઉન્ડ સિસ્ટમ સેટ કરવી એ તમમ સેવા પૂર્ણ કરવામાં આવી.

12 મે રવિવારનો દિવસ એટલે શ્રી સ્વામિનારાય઼ન ગુરુકુલ રાજકોટની 37મી અને અમેરિકામાં 7મી શાખાના ઉદ્ઘાટનનો દિવસ. સમગ્ર ગુરુકુલ પરિવારમાં આજ આનંદ અને ઉત્સાહનો દિવસ હતો.

વહેલી સવારથી મોડી સાંજ સુધી ભજન ભક્તિમય આયોજન દ્વારા આજ ભક્તો ભગવાનનુ સુખ લેવા થનગની રહ્યા હતા.

સવારે પુજન અર્ચન પૂર્ણ  થયા બાદ 7:30 વાગ્યે આરતી પ્રાર્થના-ધુન-કિર્તન સંપન્ન થયા. ત્યારબાદ 8:30 વાગ્યે પુ.ભગવતચરણ સ્વામી તથા પુ. મુકુન્દ્સ્વરુપ સ્વામીના માર્ગદર્શન અનુસાર સમુહ મહાપુજાનો પ્રારંભ થયો. જેમા મુખ્ય પૂજામા શ્રી દિપુભાઇ ગજેરા તથા ધિરુભાઇ બાબરિયા તથા શ્રી અશ્વિનભાઇ ગજેરા બેઠા હતા. આ સિવાય ટોટલ 108 ઉપરાંત ભક્તો મહાપુજામાં જોડાયા હતા.

10:30 વાગ્યે અગ્નિનારાયનની શોભાયાત્રા સાથે વૈદિકવિધિથી હરિયાગનો પ્રારંભ થયો હતો. જેમાં 21000 ઉપરાંત મંત્રો દ્વારા આહુતિઓ આપવામાં આવી હતી. જેમા તમામ ભક્તો એ લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

બપોરે 12:00 વાગ્યેથી અખંડ ધૂનનો પ્રારંભ થયો હતો તેમા પણ સંતોની સાથે સતત 50 જેટલા ભકતોએ લાભ લીધો હતો. આ ધૂન 3:00 વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી. 3:30 વાગ્યે બધા મંદિરના મુખ્ય દ્વારે પહોચ્યા હતા. જ્યા ગુરુકુલના સર્વે સંતો તથા વડીલ ભક્તોના કરકમળો દ્વારા ભગવાનના નામના જયનાદ સાથે દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા તથા રીબીન કાપીને ગુરુકુલને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સાંજના 3:30 થી 6:30 વાગ્યા સુધી ઉદઘાટન સભાનું આયોજન થયું હતું. જેની શરૂઆત વડીલ સંતો અને ભક્તો દ્વારા દીપ પ્રાગટ્ય એવં ભગવદ પૂજન તથા સંત પૂજનથી કરવામાં આવી હતી. તત્પશ્ચાત પૂ શ્રી ભગવતચરણસ્વામીએ  કીર્તન ભક્તિમાં રસ તરબોળ કર્યા હતા. 20 મિનિટ સુધી શા. શ્રી મુકુન્દસ્વરૂપસ્વામીએ “ગુરુકુલ શા માટે ?” વિષય ઉપર તથા પૂ શાંતિપ્રિયસ્વામીએ “અવસરને ઓળખે તે ડાહ્યો” વિષય ઉપર સુંદર સમજૂતી આપી હતી.

ત્યાર પછી ગુરુકુલ પરિવારના મોભી એવા પરમ ભક્ત શ્રી ધીરુભાઈ બાબરીયાએ “આ સ્થાન શા માટે” ની સરસ સમજૂતી આપી હતી અને આવાજ ગુરુકુલ સનન્ટોનિયોમાં જેમનું મોટું અને મુખ્ય યોગદાન છે એવા ભક્તરાજ શ્રી દીપુભાઈ ગજેરાએ “આજનો દિવસ રળિયામણો” ઉપર વાત કરી હતી.

આ ઉત્સવમાં  ડલ્લાસ ગુરુકુલના શ્રી રસિકભાઈ વોરા તથા શ્રીહરિકૃષ્ણ કોટડીયા આદિ યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ “મંદિર શા માટે?” “આજ મારે ઘેર થાય લીલા લેર શ્રીજી પધાર્યા મારે આંગણે” સંવાદ તથા નૃત્ય રજુ કર્યું હતું.તથા કંઠસ્થ વચનામૃત અને સ્વામીની વાતો શ્રી ક્રિશ ગજેરા તથા મીત રામાણીએ સંભળાવ્યું હતું.

ત્યારબાદ જેની પ્રેરણાથી ગુરુકુલનું નિર્માણ થયું છે એવા શ્રી દેવપ્રસાદસ્વામીએ તથા સમસ્ત ગુરુકુલ પરિવારના ગુરુ એવા પૂ. ગુરુમહારાજે રૂડા આશીર્વાદ આપ્યા હતા.