Patotsav & Jaljilani Mahotsav (New Jersey Branch)

છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ: પરામસ, ન્યુજર્સી

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની પરામસ શાખામાં તારીખ 6 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન સદગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના સાનિધ્યમાં મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી વિઘ્નવિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભક્તિભર્યા વાતાવરણમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

આ મહોત્સવમાં સ્વામિનારાયણ ચરિત્રામૃત કથા-પારાયણનું આયોજન કરવામાં આવેલું. સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ જ લોકપ્રિય અને મધુરભાષી વક્તા પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પોતાની સુમધુર અને ભક્તિભરી વાણીમાં ભગવાનના લીલાચરિત્રોની કથામૃતનું રસપાન કરાવેલું.

ભગવાન સ્વામિનારાયણની પરાવાણી ‘વચનામૃત’ ગ્રંથની વ્યાખ્યાનમાળામાં સદગુરુ પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી વચનામૃતનું સુંદર વિવેચન કરતા. સાથે સાથે મુમુક્ષુ ભક્તોના આધ્યાત્મિક પ્રશ્નોના જવાબો આપી તેમની જિજ્ઞાસાને સંતોષતા હતા.

શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી ‘ઘરને મંદિર બનાવીયે’ એ કૌટુંબિક સુહ્રદભાવ વધારવાના વિષય ઉપર માનનીય વ્યાખ્યાન આપ્યું હતું.

મહોત્સવ દરમ્યાન તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે નારી શક્તિને ઉજાગર કરવા માટે ‘મહિલામંચ’ રાખવામાં આવેલો. જેમાં બાલિકાઓ તથા યુવતીઓએ નૃત્ય, નાટક, પ્રવચન વગેરે અનેકવિધ કાર્યક્રમો દ્વારા પ્રેક્ષકને મંત્રમુગ્ધ કાર્ય હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સંતો કે મહિલાઓના ચારિત્ર્યમાં કલંક ન લાગે તે માટે સંતો મહિલાઓ સાથે કોઈ પ્રકારનો વ્યવહાર નથી રાખતા. છતાં આ સંપ્રદાયમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ કાર્યક્રમો થતા હોય છે.

તારીખ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ તથા સર્વ દેવોના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહાપૂજન રાખવામાં આવેલું. સવારે 8:30 વાગ્યે વેદજ્ઞ કિશોરમહારાજ દવેએ દેવોની પૂજા વિધિનો શુભારંભ કરાવ્યો. પૂજ્ય સ્વામીજી તથા સંતો સાથે પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી ભાવેશભાઈ વિરાણી, સહ યજમાન શ્રી મૌલિકકુમાર સુરેશભાઈ વેકરીયા મુખ્ય પૂજાવિધિમાં બેઠા હતા. સાથે અન્ય 51 સ્ત્રી-પુરુષ ભક્તો પણ મહાપૂજનમાં જોડાયા હતા. પૂજનના અંતે સંતો-ભક્તોએ પંચામૃતથી ભગવાનનો મહાભિષેક કરેલ. અંતમાં ઠાકોરજીને વસ્ત્રાભૂષણો ધરાવીને 201 વાનગીઓનો મહા અન્નકૂટ ધરાવવામાં આવેલો.

બપોરે 3 વાગ્યે બાલ સંસ્કાર ક્લાસના નવા અભ્યાસ વર્ષનો સદગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના શુભહસ્તે શુભારંભ કરવામાં આવ્યો. ગુરુકુલના આ કેન્દ્રમાં દર રવિવારે યોજાતા હિન્દૂ સંસ્કૃતિ તથા ગુજરાતી ભાષાના ક્લાસ રાખવામાં આવે છે. તેમાં 120 જેટલા બાલ-બાલિકાઓ જોડાય છે.

ત્યારબાદ 4 થી 5 વાગ્યા સુધી જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવેલો. ગુરુકુલના ગ્રાઉન્ડમાં વિશાલ સ્વિમિંગપુલ ગોઠવી તેમાં નાનકડી હોડીમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવેલા. બધા ભક્તોએ કીર્તનભક્તિ અને રાસ સાથે ઠાકોરજીનો જળાભિષેક કરીને ઉત્સવનો આનંદ લીધો હતો.

5:30 થી 6:30 સુધી ઉત્સવની પૂર્ણાહુતિની સભામાં પ્રસંગે સદગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ આખું વર્ષ તન, મન, ધનથી સેવા કરનારા સર્વે સેવકોને મંગલ આશીર્વાદ આપ્યા હતા.