Good Articles
માંસ ન ખાવું
માસ ન ખાવું
(નિયમ નં. ૩)
સદવિદ્યા ફેબ્રુઆરી ૨૦૨૨
પાંચ વ્રતમાન અને એકાદશ વ્રત પૈકીનું મહત્ત્વનું વ્રત એટલે માંસ ન ખાવું. ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના શ્લોક ૧૫મા આજ્ઞા કરી છે કે દેવતાને નૈવેદ્ય સ્વરૂપે ચઢાવેલું હોય તો પણ અભક્ષ્ય એવું માંસ અમારા આશ્રિતોએ ક્યારેય ન ખાવું.
મનુસ્મૃતિમાં પણ કહેવાયું છે કે જે પ્રાણીને વેચે છે, મારે છે, કાપે છે, રાંધે છે કે પછી માંસ વેચે છે કે ખાય છે - આ બધાય પાપના સહભાગી છે.
મહાભારતમાં પિતામહ ભીષ્મે પણ યુધિષ્ઠિર પ્રત્યે દાનધર્મનો મહિમા સમજાવતા કહ્યું હતું કે મહાન ઋષિઓએ માંસાહારથી દૂર રહેવાની આજ્ઞા આપી છે. ભીષ્મપિતા કહે છે કે માંસથી દૂર રહેવું અને અશ્વમેધ યજ્ઞ કરવો એ બંનેનું સરખું ફળ છે.
અહિંસા ધર્મનું પ્રતિપાદન કરતા શતાનંદ મુનિએ લખ્યું છે કે માંસાહારથી દૂર રહેવાનો અર્થ માંસાહારનો વિચાર સુધ્ધાં નહીં કરવો, માંસાહારની વાત પણ ન કરવી અને માંસાહાર તો ક્યારેય ન કરવો એવો ત્રેવડો થાય છે. માત્ર ધાર્મિક આગેવાનો જ નહીં; પરંતુ મહાન વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ જેવા કે પાયથાગોરસ, સોક્રેટીસ, ન્યૂટન અને આલ્બર્ટ આઈનસ્ટાઈને પણ માંસાહારીઓને માફ કર્યા ન હતા. માંસાહાર ત્યજી શાકાહારી બનવાના કેટલાક દેખીતા ફાયદા પણ છે.
૧. હૃદયરોગથી બચો : હૃદયની શિરા, ધમનીઓમાં માંસાહારી વ્યક્તિ કલોરેસ્ટોરલ જમા કરે છે. વિશ્વના સૌથી ઘાતક ગણાતા હૃદયરોગની સંભાવના શાકાહારીમાં ૫૦ ટકા જેટલી ઘટી જતી હોવાનું વિશ્વના અગ્રિમ હરોળના ડોકટરોએ પ્રતિપાદન કર્યું છે.
૨. કેન્સરનું જોખમ ટાળો : વિશ્વના ટોચના સંશોધનકારોએ તારણ કાઢ્યું છે કે શાકાહારીઓ કરતાં માંસાહારીઓ ઉપર કેન્સરનું જોખમ ૪૦ ટકા વધી જાય છે. ધૂમ્રપાન, શરીરનું કદ કે સામાજિક-આર્થિક વિષમતાઓ કરતાં પણ કેન્સરને નોતરવામાં માંસાહાર મોટી ભૂમિકા ભજવે છે.
૩. માંસાહારથી દૂર રહો, લાંબું જીવો : સામાન્ય રીતે શાકાહારીઓનું આયુષ્ય માંસાહારીઓ કરતાં આઠથી દસ વર્ષ વધારે હોવાનું કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે. એટલું જ નહિ ક્વોલિટી ઓફ લાઈફ, ગંભીર રોગોનું પ્રમાણ, વૃદ્ધાવસ્થામાં અસહાયતા, શરીરમાં સ્ફૂર્તિ વગેરે બાબતોમાં માંસાહારીઓને નિરાશાજનક જીવનકાળમાંથી પસાર થવું પડે છે.
૪. સુડોળ બાંધા માટે માંસાહાર વર્જ્ય છે : શાકાહાર વજન ઘટાડવાનો અકસીર ઈલાજ છે. એક અંદાજ મુજબ શહેરી વસતિના ૩૧ ટકા લોકો અપ્રમાણ વધુ વજન ધરાવે છે. જેમાં માત્ર બે ટકા લોકો શુદ્ધ શાકાહારી છે. આ આંકડાઓ બતાવે છે કે માંસાહાર બિનજરૂરી ચરબીનું નિર્માણ અને વજન વધારા માટે મુખ્ય દોષી છે.
૫. બર્ડ ફલૂ જેવા રોગોથી બચો : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે મરઘાં કે મરઘાંના ઈંડાં ખાનાર લોકોને એવિયન ફલુ વાયરસ ત્વરિત પકડમાં લે છે. આ પ્રકારના ફલુ માંસાહારીઓ માટે જીવલેણ પણ સાબિત થાય છે.
૬. પર્યાવરણને બચાવો : તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બહાર પડાયેલ એક અહેવાલ "Livestocks long shadow'' નોંધે છે કે વિશ્વ સમક્ષ સર્જાયેલા પર્યાવરણીય અસંતુલનના પડકારમાં મુખ્ય બે કારણભૂત પરિબળોમાં એક વિશાળ માત્રામાં થતો માંસાહાર છે. અહેવાલ જણાવે છે કે વિશ્વમાં મોટરકાર, ટ્રક, જહાજો અને વિમાનો દ્વારા સંયુક્તપણે જેટલી માત્રામાં હાનિકારક ઝેરી ગેસનું ઉત્સર્જન થાય છે, એના કરતાં ૪૦ ટકા વધારે ઝેરી ગેસ ઉત્પાદનમાં માંસાહારનો ફાળો છે.
૭. પ્રાણીઓ ઉપર ગુજારાતી ક્રૂરતા બંધ કરો : આધુનિક કતલખાનાંઓમાં પ્રાણીઓની થતી બેરહમ કતલ ગમે તેટલા પાષાણહૃદયીને પણ હચમચાવી મૂકે એવી ઘાતક હોય છે. પોતાના પેટ ખાતર પશુઓને રહેંસી નાખનાર કસાઈઓ અને વેપારીઓને તેમજ એને બજાર પૂરું પાડનાર માંસાહારીઓને ઈશ્વર કયારેય માફ કરતો નથી.
૮. ગરીબોને મદદ કરો : એક અંદાજ મુજબ ભારતમાં ૧૦૦ મિલિયન ટન અનાજ ગરીબોના પેટમાં વર્ષ દા’ડે જાય છે તો એની સામે માંસાહારીઓની મંછા પૂરી કરવા ખાસ ઉછેરાતા પ્રાણીઓને ખોળ આદિ વિવિધ સ્વરૂપોમાં ૭૬૦ મિલિયન ટન અનાજ વપરાઈ જાય છે. જો માંસાહાર બંધ થાય તો દેશના તમામ ગરીબોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળી શકે.
૯. વૈશ્વિક શાંતિ માટે નિમિત્ત બનો, માંસાહારથી દૂર રહો : કહેવાય છે કે ‘અન્ન એવું મન’ અને ‘આહાર તેવો ઓડકાર અર્થાત વિચારો’ પ્રસિદ્ધ તત્વચિંતક લિઓ ટોલ્સ્ટોયે કહ્યું હતું કે માનવતાવાદનો પાયો શાકાહારવાદ છે. માંસાહાર કરનાર તમોગુણી માણસો વિશ્વનું ભલું કયારેય ન કરી શકે. વિશ્વશાંતિની પરિકલ્પના સાર્વત્રિક શાકાહારની બુનિયાદ પર જ થઈ શકે.
૧૦. શુદ્ધ શાકાહારી વાનગીનું વૈવિધ્ય માણો : માંસાહાર ખૂબ જ મર્યાદિત વાનગીઓ પૂરતો સીમિત છે. પરંતુ જાતજાતની, ભાતભાતની સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણવી હોય તો શાકાહારી બનવું જ પડે.
એક પશ્ચિમના ચિંતકે લખ્યું છે કે જૈવસૃષ્ટિમાં અસંતુલન, દુષ્કાળ અને માનવીય અત્યાચાર આ બધાનું નિવારણ શાકાહારી બનવામાં જ છે. થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર "Please go to veg" ચળવળ ચાલી હતી, જેમાં લાખો નહીં, બલ્કિ કરોડો લોકોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા અને શાકાહાર જીવનપદ્ધતિને મજબૂત સમર્થન આપ્યું હતું.
મહાત્મા ગાંધીને બાલ્યકાળમાં એવી ભ્રમણા હતી કે માંસ ખાઈને જ સશક્ત બની શકાય છે; પરંતુ પછીથી પોતાની ભૂલ કબૂલી મહાત્મા ગાંધીએ વિશ્વને શાકાહારી બનવાનો મહામૂલો બોધ જીવનભર આપ્યા કર્યો હતો. ઈંગ્લેન્ડમાં પહેલીવાર શાકા-હારવાદના કાયદાઓ વિષે જાણ્યા બાદ અહિંસાના આ પૂજારીએ ગાય, ભેંશનું દૂધ પણ છોડી દીધું હતું. એમણે કહ્યું હતું કે માંસ ન ખાવાથી જો મોત આવતું હોય તો હું મોતને ભેટવા પણ તૈયાર છું.
'I will not take milk. Milk -
products or meat.
If not taking these things
should mean my death,
I feel I'd rather face it.'
- Gandhi
A man can live and be healthy
without killing animals for food;
therefore, if he eats meat,
he participates in taking
animal life merely for the
sake of his appetite.
- Leo Tolstoy


_1658058277.jpg&w=270&h=200)

